માવતર
- 24/Dec/2023
24 ડિસેમ્બર 2023ને રવીવારે ‘માવતર’ નામનો સમૂહલગ્નનો પ્રસંગ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 75 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા.
- આ દીકરીઓ એવી હતી કે જેમને ‘માવતર’ એટલે કે માં અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી હતી. એ ઉપરાંત તેમને ભાઈ પણ નહોતો. એટલે કે તેઓ તેમના નાના-નાની સાથે મોટી થઇ હતી. આમાંની 62 દીકરીઓના લગ્ન સુરતમાં કર્યા અને 13 દીકરીઓના લગ્ન તેમના વતનમાં જ સમૂહલગ્નમાં કરાવવામાં આવ્યા કારણ કે તેઓ એટલી ગરીબ હતી કે તેમની પાસે સુરત સુધી આવવાના પૈસા પણ ન હતા. તે દીકરીઓને કરિયાવર આપીને ત્યાંના જ કન્યાદાન આપીને સાસરે વળાવવામાં આવી.
- દરેક વખતની જેમ સમાજના અને રાજકારણના ઘણા બધા અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમકે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી. પ્રફુલભાઇ પાનસુરીયા, શ્રી. મુકેશ પટેલ, દક્ષેશભાઈ માવાણી અને ખાસ તો ગુજરાત રાજ્યના બી.જે.પી. પ્રમુખ શ્રી. સી.આર. પાટીલ સાહેબ આશીર્વચન આપવા આવેલા. ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી. ભુપેન્દ્ર પટેલ સાહેબ તેમના બીજા કોઈ અગત્યના કામને લીધે વ્યસ્ત હોવાથી હાજરી ન આપી શક્યા પણ તેમના તરફથી દરેક દીકરીઓને આશીર્વચનનો અંગત પત્ર આપવામાં આવ્યો. એન્ટી ટેરોરિસ્ટ સ્ક્વોડના હેડ શ્રી. બિટ્ટાસિંહ પણ ખાસ પધારેલા.
- આ લગ્નની ખાસ વાત એ હતી કે સુરતના ‘જીવનદીપ ફોઉંડેશન’ દ્વારા લગ્નમાં આવેલા 20,000 મહેમાનોનું અંગત સ્વાગત કરવામાં આવ્યું અને દરેકની પાસે ‘અંગદાન’ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી અને તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા. એ ઉપરાંત અમારી એક સંસ્થા ‘CFE KOTA’ દ્વારા દરેક મહેમાનને એક એક ‘હનુમાનચાલીસા’ ભેટ આપવામાં આવી.
- આ પ્રસંગનું ઉદ્ઘાટન બહારના કોઈ મેહમાનના હસ્તે નહિ પણ જેમના લગ્ન થઇ રહ્યા હતા તે 62 વરઘોડિયાઓએ જ દીપ પ્રાગટ્યથી અને આરતીથી કર્યું. આનાથી એક ફાયદો એ થયો કે એ ઉદ્ઘાટન સાંજે 6:01 વાગ્યે સમયસર થયું અને ઉદ્ઘાટન કરવા માટે કોઈ પણ મહેમાનની રાહ ન જોવી પડી. લગ્નસ્થળ ઉપર એક મંદિર બનાવવામાં આવેલું ત્યાં બધા વરઘોડિયાઓએ દીપ પ્રાગટ્ય અને આરતી કરીને પોતાના લગ્નજીવનની શરૂઆત કરી.
- આ લગ્ન સમયે ગુજરાતની ખ્યાતનામ 12 લોકગાયિકા દીકરીઓએ સતત 8 કલાક લગ્નગીતો (લાઈવ) ગાયા. એ ઉપરાંત લગ્ન પહેલા બિહારના એક ભૂતપૂર્વ રાજનેતા જેઓ કોંગ્રેસમાં અને પછી બી.જે.પી.માં કેન્દ્રીય મંત્રી રહેલા (જેઓ અત્યારે આ દુનિયામાં નથી) તેમની ધર્મપત્ની ઉમાદેવીનો મહેશભાઈ ઉપર ફોન આવ્યો કે મારે મારા પતિની યાદમાં બે દીકરીઓનું કન્યાદાન કરવું છે, કેટલો ખર્ચ થશે? મહેશભાઈએ કહ્યું કે કંઈ જ નહિ. તમે ફક્ત હાજરી આપો અને કન્યાદાનની વિધિ કરો. તેઓ ખાસ દિલ્હીથી લગ્નમાં આવ્યા અને તેમણે જે દીકરીઓનું કન્યાદાન કર્યું તે બન્ને દીકરીઓને 4 - 4 તોલાનો સોનાનો સેટ ભેટમાં આપ્યો.
- આ સમૂહલગ્નમાં જેમના લગ્ન થયા તે બધીને સજોડે કુલુ-મનાલી ફરવા મોકલ્યા. એ ઉપરાંત સુરતથી દીવની બે રાતની ક્રુઝ શરુ થવાની છે તેમાં આ 75 કપલને મહેશભાઈ શરૂઆતની પહેલી જ ક્રુઝમાં ફરવા મોકલવાના છે. જે રાત્રે સુરતથી ઉપડશે અને સવારે દીવ પહોંચશે. બધા કપલ આખો દિવસ દીવમાં આનંદ કરશે. પછી પાછી રાત્રે દીવથી નીકળીને બીજે દિવસે સવારે સુરત પહોંચાડશે. મહેશભાઇએ પોતે હજુ સુધી ક્યારેય ક્રુઝની ટૂર નથી માણિ પણ તેમની દત્તક લીધેલ 75 દીકરીઓ તેમના પતિ સાથે મહેશભાઈના ખર્ચે આ આનંદ માણશે.
- એ ઉપરાંત અમદાવાદના એક ટૂર ઓપરેટરે (જંગલ ટ્રીપ) એક એવી ઓફર કરી છે કે ‘માવતર’માં લગ્ન થયેલ 75 દીકરીઓના મમ્મી અને સાસુને સાથે સાથે (એવી 150 વ્યક્તિને) માથાદીઠ ફક્ત 1,001 રૂપિયામાં 7 દિવસની અયોધ્યાની જાત્રા કરાવશે, જેમાં રેલવે ભાડું, રહેવાનું અને ખાવાપીવાનું બધું આવી જાય છે. જે 22 ફેબ્રુઆરી 2024ના રોજ સુરતથી ઉપડશે. તેમનો આશય એવો છે કે આનાથી બંને વેવાણોનું મન મળી જશે અને ભવિષ્યમાં સંપીને રહેશે જેથી દીકરી સુખી થશે.
- આ સમૂહલગ્નમાં મહેશભાઈએ અત્યાર સુધી તેમના આ સેવાના કામમાં સતત સાથે રહીને પોતાના તરફથી યોગદાન આપતી સંશ્થાઓના વડીલોનું ખાસ સન્માન કર્યું, જેમકે પવાસીયા હોસ્પિટલ, ડાયમન્ડ હોસ્પિટલ, બ્યુટી પાર્લરવાળા, આડતીયા ફાઉન્ડેશન વગેરે. સન્માન કર્યું.
- આ લગ્ન સંપન્ન થયા પછી મહેશભાઈ સવાણીને ત્યાં સમૂહ લગ્નમાં લગ્ન થયેલ દીકરીઓનો આંકડો 4,972 સુધી પહોંચી ગયો છે. એટલે કે હવે તેમના 5,001 દીકરીઓના પિતા બનવાના ગોલમાંથી ફક્ત 29 દીકરીઓ જ બાકી છે, જે આવતા વર્ષે પૂરો થઇ જશે.